Horror Show: આજના OTT યુગમાં હોરર વેબ સિરીઝની કોઈ કમી નથી, પરંતુ 90ના દાયકામાં ટીવી પર આવતો એક એવો શો હતો જેનો માત્ર ટાઇટલ ટ્રેક સાંભળતાં જ લોકોના શરીરમાં કંપારી દોડી જતી. રાત્રે એકલા ટીવી જોતા લોકો લાઈટ બંધ કરવાની હિંમત પણ ન કરતા. આ શો હતો ‘આહટ’ - ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય અને સૌથી લાંબા સમય સુધી ચાલેલા હોરર શોમાંથી એક.
31 વર્ષ પછી પણ ‘આહટ’નો ડર લોકો ભૂલી શક્યા નથી
90ના દાયકામાં જ્યારે મનોરંજન માટે ટીવી જ મુખ્ય સાધન હતું, ત્યારે હોરર શોઝનો એક અલગ જ ક્રેઝ હતો. તે સમયમાં ‘ઝી હોરર શો’, ‘શ્શ્શ્શ્...કોઈ હૈ’, ‘રાત હોને કો હૈ’ અને ‘કિલે કા રહસ્ય’ જેવા અનેક શો આવ્યા હતા, પરંતુ જે લોકપ્રિયતા અને ડર ‘આહટ’એ સર્જ્યો હતો તે આજે પણ ઘણા દર્શકોને યાદ છે.
‘આહટ’ની સૌથી મોટી ખાસિયત તેની વાર્તા અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક હતી. શો શરૂ થતાં જ જે ડરામણું સંગીત વાગતું હતું તે દર્શકોના દિલની ધડકન વધારી દેતું. ખાસ કરીને બાળકો માટે આ શો એટલો ભયાનક ગણાતો કે ઘણા માતા-પિતા તેમને આ શો એકલા જોવા દેતા નહોતા.
દરેક એપિસોડમાં નવી ડરાવની કહાની
‘આહટ’નો દરેક એપિસોડ એક અલગ ભયાનક ઘટનાની આસપાસ ગોઠવાયો હતો. ક્યાંક ભૂતિયા હવેલી, ક્યાંક આત્મા, ક્યાંક રહસ્યમય મૃત્યુ અને ક્યાંક અલૌકિક શક્તિઓ -દરેક સ્ટોરી દર્શકોને અંત સુધી બાંધી રાખતી.
તે સમયના સ્પેશિયલ ઇફેક્ટ્સ આજના જેટલા આધુનિક ન હોવા છતાં, શોની પ્રેઝન્ટેશન અને કેમેરા વર્ક એટલું અસરકારક હતું કે લોકો ખરેખર ડરી જતા. ઘણા દર્શકો કહે છે કે ‘આહટ’ જો્યા પછી તેઓ લાંબા સમય સુધી એકલા રૂમમાં જવાની હિંમત નહોતા કરતા.
આ શોની ખાસ વાત એ પણ હતી કે તે માત્ર ડરાવવાનો પ્રયાસ કરતો નહોતો, પરંતુ દરેક વાર્તામાં કોઈને કોઈ માનસિક અથવા ભાવનાત્મક ટ્વિસ્ટ પણ આપતો હતો. જેના કારણે દર્શકો માત્ર ડરતા જ નહોતા, પરંતુ સ્ટોરી સાથે ભાવનાત્મક રીતે પણ જોડાઈ જતા.
1995માં શરૂ થયેલો શો છ સીઝન સુધી ચાલ્યો
‘આહટ’ પહેલીવાર 5 ઓક્ટોબર 1995ના રોજ પ્રસારિત થયો હતો. તે સમય દરમિયાન ભારતીય ટેલિવિઝનમાં હોરર કન્ટેન્ટ બહુ ઓછું હતું, તેથી આ શોએ ઝડપથી પોતાની અલગ ઓળખ બનાવી લીધી.
આ શોની કુલ છ સીઝન આવી હતી
પહેલી સીઝન: 1995 થી 2001
બીજી સીઝન: 2004 થી 2005
ત્રીજી સીઝન: 2007
ચોથી સીઝન: 2009થી 2010
પાંચમી સીઝન: 2010
છઠ્ઠી સીઝન: 2015
દરેક સીઝનમાં નવી અને વધુ ભયાનક કહાનીઓ રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને શરૂઆતની સીઝનને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો.
બોલિવૂડના ઘણા જાણીતા કલાકારો પણ બન્યા હતા ભાગ
‘આહટ’ની લોકપ્રિયતાનું એક મોટું કારણ એ પણ હતું કે તેમાં અનેક જાણીતા ટીવી અને બોલિવૂડ કલાકારો જોવા મળ્યા હતા. ઘણા અભિનેતાઓએ પોતાના કરિયરની શરૂઆતમાં આ શોમાં કામ કર્યું હતું.
શોનો દરેક એપિસોડ નવી કાસ્ટ સાથે આવતો હોવાથી દર્શકોમાં ઉત્સુકતા સતત જળવાઈ રહેતી. કેટલાક એપિસોડ તો એટલા લોકપ્રિય બન્યા કે વર્ષો પછી પણ સોશિયલ મીડિયા પર તેમની ચર્ચા થાય છે.
IMDb પર 7.2 રેટિંગ, આજે પણ છે કલ્ટ ફેવરિટ
આજના સમયમાં પણ ‘આહટ’ને હોરર પ્રેમીઓ ખૂબ પસંદ કરે છે. IMDb પર આ શોને 7.2નું રેટિંગ મળ્યું છે, જે દર્શાવે છે કે વર્ષો પછી પણ તેની લોકપ્રિયતા ઘટી નથી.
OTT પ્લેટફોર્મ્સ અને YouTube પર આજે પણ લોકો તેના જૂના એપિસોડ શોધીને જુએ છે. ખાસ કરીને ૯૦ના દાયકાના લોકો માટે ‘આહટ’ માત્ર એક હોરર શો નહોતો, પરંતુ બાળપણની એવી યાદ હતી જે આજે પણ ડર અને નોસ્ટેલ્જિયાનો અનોખો અનુભવ કરાવે છે.
આજના હોરર શોથી ‘આહટ’ કેમ અલગ હતો?
આજકાલના હોરર શોઝમાં ભારે VFX અને જમ્પ સ્કેરનો ઉપયોગ થાય છે, પરંતુ ‘આહટ’નો ડર તેના વાતાવરણમાં હતો. ધીમું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, અંધારા સેટ્સ, રહસ્યમય અવાજો અને અચાનક આવતા દ્રશ્યો દર્શકોને માનસિક રીતે અસર કરતા.
આજના ઘણા દર્શકો માને છે કે જૂના હોરર શોઝમાં જે સાદગી અને વાસ્તવિકતા હતી તે હવે ઓછું જોવા મળે છે. ‘આહટ’ એ સમયનો એવો શો હતો જે પરિવાર સાથે બેઠા બેઠા જોવામાં પણ ડર લાગતો હતો.
દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં વિવાદ ડાન્સર્સે શો છોડ્યો: ઓછા રૂપિયા અને અસુરક્ષિત પરિસ્થિતિનો આક્ષેપ
કેમ આજે પણ ચર્ચામાં રહે છે ‘આહટ’?
સોશિયલ મીડિયા પર જ્યારે પણ 90 ના દાયકાના શોઝની વાત થાય છે ત્યારે ‘આહટ’નું નામ જરૂર લેવાય છે. તેનું ટાઇટલ મ્યુઝિક આજે પણ અનેક લોકોના મોબાઇલ રિંગટોન અને મીમ્સમાં જોવા મળે છે.
આ શોએ ભારતીય ટેલિવિઝનમાં હોરર શૈલીને નવી ઓળખ આપી હતી. ઘણા નવા હોરર શોઝ માટે ‘આહટ’ એક પ્રેરણા તરીકે જોવામાં આવે છે.





