Home Religion Premanand Maharaj On Ghosts Existence And Truth Gujarati News How To Protect Yourself From Negative Energy

શું ખરેખર ભૂત હોય છે? : પ્રેમાનંદ મહારાજે ખોલ્યું વર્ષો જૂનું રહસ્ય, જણાવ્યું કોણ બને છે પ્રેત અને કેવું હોય છે તેમનું સ્વરૂપ

શું ખરેખર ભૂત હોય છે?
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 09:53 AM IST

Premanand Maharaj Tips: વૃંદાવનના વિખ્યાત સંત અને રાધાકેલિ કુંજના માર્ગદર્શક પરમ પૂજ્ય પ્રેમાનંદ મહારાજ સોશિયલ મીડિયા પર અત્યારે લાખો લોકોના આસ્થાનું કેન્દ્ર બન્યા છે. મહારાજજીના સત્સંગમાં ભક્તો માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ નહીં, પણ જીવનના અનેક ગૂઢ રહસ્યો વિશે પણ પ્રશ્નો પૂછતા હોય છે. આવો જ એક વિષય છે 'ભૂત-પ્રેત' અને નકારાત્મક શક્તિઓનો. શું ખરેખર ભૂત હોય છે? શું માણસ તેને જોઈ શકે છે? અને જો આવી કોઈ શક્તિ હોય તો તેનાથી બચવાનો રસ્તો શું છે? આ તમામ પ્રશ્નોના પ્રેમાનંદ મહારાજે ખૂબ જ તાર્કિક અને શાસ્ત્રોક્ત જવાબો આપ્યા છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.

મહારાજજીએ સ્પષ્ટ કર્યું છે કે, આત્મા જ્યારે પોતાના કર્મો અથવા અકાળ મૃત્યુને કારણે પ્રેત યોનિમાં જાય છે, ત્યારે તેને કેવી પીડા ભોગવવી પડે છે. સામાન્ય રીતે વિજ્ઞાન આ બાબતોને સ્વીકારતું નથી, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રેમાનંદ મહારાજે ભૂતોના અસ્તિત્વ અને તેમની દયનીય સ્થિતિ વિશે જે ખુલાસા કર્યા છે તે સાંભળીને કોઈપણ ચોંકી જશે. મહારાજજીના મતે, આ શક્તિઓ દરેક પર હાવી નથી થઈ શકતી, પણ અમુક ખાસ સંજોગોમાં તે મનુષ્ય પર પોતાનો પ્રભાવ પાડી શકે છે. ચાલો જાણીએ પ્રેમાનંદ મહારાજના આ અનોખા સત્સંગની મુખ્ય વાતો.

કોણ બને છે ભૂત? પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું ગણિત

મહારાજજીના પ્રિય શિષ્ય નવલ નાગરી બાબાએ જ્યારે પૂછ્યું કે, ભૂત કેવી રીતે બને છે, ત્યારે મહારાજજીએ ઉત્તર આપ્યો કે, જે વ્યક્તિ આત્મહત્યા કરે છે, જેનું અકાળ અકસ્માતથી મૃત્યુ થાય છે અથવા જેણે જીવનમાં અત્યંત જઘન્ય પાપ કર્યા હોય છે, તેવી આત્માઓ પ્રેત યોનિમાં જાય છે. મહારાજજીએ ઉમેર્યું કે મથુરા-વૃંદાવનનું શાસન ભગવાન ભૂતેશ્વર મહાદેવના આધીન છે અને તેમણે પોતે વૃંદાવનમાં અનેકવાર આવી આત્માઓના દર્શન કર્યા છે.

ભૂત કેવા દેખાય છે? ક્ષણે-ક્ષણે બદલાતી આકૃતિ

ભૂતોના દેખાવ વિશે જણાવતા મહારાજજીએ કહ્યું કે તેમની કોઈ નિશ્ચિત આકૃતિ હોતી નથી. તેઓ ક્ષણે-ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતા રહે છે. ક્યારેક તેઓ અત્યંત સુંદર સ્ત્રીના રૂપમાં દેખાઈ શકે છે, તો બીજી જ મિનિટે તેમનું રૂપ અત્યંત ભયાનક કે ઘૃણાસ્પદ થઈ શકે છે. તેમની આકૃતિ સ્થિર હોતી નથી, તે માયાથી બનેલી હોય છે જે સામેવાળી વ્યક્તિને ભ્રમિત કરવા કે ડરાવવા માટે સક્ષમ હોય છે.

શું સામાન્ય માણસ ભૂત જોઈ શકે?

પ્રેમાનંદ મહારાજે હસતા હસતા આ પ્રશ્નનો રસપ્રદ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભૂત દરેકની સામે પ્રગટ નથી થતા. જો તેમને લાગે કે કોઈ વ્યક્તિને જોવાથી તેનું હાર્ટ ફેઈલ થઈ જશે અને તે પોતે પણ ભૂત બની જશે, તો તેઓ તેની સામે ક્યારેય નહીં આવે. ભૂત-પ્રેત જેવી આત્માઓ માત્ર એવા લોકો પાસે જાય છે જેમના દ્વારા તેમનું કલ્યાણ થઈ શકે, જેમ કે સંતો કે મહાપુરુષો. તેઓ પોતાની મુક્તિની આશાએ સંતોના શરણે આવતા હોય છે.

ભૂત યોનિના કષ્ટ: નદી વહેતી હોય છતાં પાણી નથી પી શકતા

મહારાજજીએ આ યોનિની પીડા વર્ણવતા કહ્યું કે પ્રેત યોનિમાં આત્માને એટલો કષ્ટ હોય છે કે સામે નદી વહેતી હોવા છતાં તેઓ પાણીનું એક ટીપું પણ પી શકતા નથી કે ભોજનનો એક કોળિયો પણ ખાઈ શકતા નથી. જે લોકો અપવિત્ર કર્મો કરે છે અથવા તમોગુણથી ભરેલા હોય છે, તેમના પર જ આ નકારાત્મક શક્તિઓ વધુ અસર કરે છે. ખોટા આચરણવાળા લોકો પર તેમનો આવેશ જલ્દી જોવા મળે છે.

બચવાનો અમોઘ ઉપાય: "ભૂત પિશાચ નિકટ નહીં આાવે"

શું ભૂત કોઈને નુકસાન પહોંચાડી શકે? આ બાબતે આશ્વાસન આપતા પ્રેમાનંદ મહારાજે કહ્યું કે જે વ્યક્તિ ભગવાનના નામનું સ્મરણ કરે છે, મંત્ર જાપ કરે છે, તેને કોઈ ભૂત સ્પર્શ પણ કરી શકતું નથી. મહારાજજીએ હનુમાન ચાલીસાની પંક્તિ ટાંકીને કહ્યું કે ભગવાનના નામમાં એટલી શક્તિ છે કે તેની પાસે કોઈ નકારાત્મકતા ટકી શકતી નથી. જો તમે નામ-સ્મરણ કરતા હોવ અને કોઈ ભૂત તમને અડે તો તે પોતે ભસ્મ થઈ જશે. માટે ભયભીત થવાને બદલે ભક્તિનો આશરો લેવો જોઈએ.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now